Total Pageviews

Wednesday, January 25, 2012

અભણ મહિલાના કોમ્યુટર જ્ઞાનથી અમેરિકનો પણ રહી ગયા દંગ


 
દલિત મહિલાઓ પર એક તરફ અત્યાચાર થાય છે, ત્યારે એક અભણ દલિત મહિલા ગામની સરપંચ તરીકે ચૂંટાઇ છે.

એક દલિત મહિલા નાત, જાત ઉંમર અને નિરક્ષરતાના દરેક સીમાડા ઓળંગીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ જીવન જીવી રહી છે. ગામડામાં રહીનેય નવી કેડી કંડારી રહી છે. થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં એક દલિત મહિલાને નગ્ન કરી, ગામમાં ફેરવીને માર મારવામાં આવ્યો. તેનો ગુનો એટલો જ હતો કે તેનો દીકરો ઉચ્ચ વર્ણની છોકરી સાથે ભાગી ગયો હતો. ૧૯૯૨માં ભંવરી દેવી પર પાંચ વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો અને ભંવરી દેવી કેસ જીતી ગઇ.

આ હિંમતવાન મહિલાએ સમાજની સામે બંડ પોકાર્યું હતું અને તેના પર થયેલા અનેક અત્યાચાર છતાંય તેણે નમતું નહોતું જોખ્યું. આજે આવી જ એક દલિત મહિલાની વાત કરવી છે. એક બાજુ દલિત મહિલાઓ પર આજેય અત્યાચાર થાય છે, ત્યારે રાજસ્થાનના અજમેર જિલ્લાના હરમારા ગામમાં નૌરતી નામની દલિત મહિલા સરપંચ તરીકે ચૂંટાઇ છે. એ ગામમાં ૪૦૦ ઘર ઉચ્ચ વર્ણનાં જાટ કુટુંબોના હોવા છતાં આવો ચમત્કાર થઇ શક્યો છે. તેનું કારણ છે નૌરતી દેવીની હિંમત, કુશળતા અને પ્રામાણિકતા.

નૌરતી દેવી જેવી અભણ દલિત મહિલા માટે સરપંચ થવું અને પ્રદેશની મહિલાઓના વિકાસના કામ કરવા એટલા સરળ નહોતા, પણ એના સ્વભાવમાં જ શોષવાઇને બેસી રહેવાનું નહોતું. ૧૯૮૧માં અરૂણા રોય તેમના ગામમાં આવ્યા અને સરકાર તરફથી આપવામાં આવતા રાહત કામગીરીના રૂપિયા તેમના સુધી પૂરા પહોંચતા નહોતા. એટલે મહિલાઓ મોરચો કાઢવા તૈયાર થઇ. નૌરતીના પતિને લાંચ આપીને નૌરતીને ચૂપ કરવાનું કહેવામાં આવ્યું. માર ખાધા છતાં વિરોધ કરવામાંથી તે પાછી ન હઠી.

આમ, તે તેની આસપાસ થતાં અન્યાય માટે અવાજ ઉઠાવતી રહી. ૧૯૮૭માં તેના ગામમાં ૧૮ વર્ષની રૂપકુમારને પતિના મૃત્યુ બાદ જીવતી બાળીને સતી બનાવાઇ રહી હતી. ત્યારે પણ નૌરતી દેવીએ વિરોધ કર્યો. આ માટે તેના પર ભંવરી દેવીની જેમ બળાત્કાર કરવાની ધમકીઓય મળી હતી, પરંતુ નૌરતી હિંમત ન હારીને ગામસુધારાનું કામ કરતી રહી. આજે ૬૦ વર્ષની વયે તે ગામની સરપંચ છે. સરપંચ તરીકે ચૂંટણી લડવા તેણે એક પણ પૈસો કેનવાસિંગમાં ન ખચ્ર્યો કે ન તો એણે કોઇ વોટ ખરીધ્યો. પગે ચાલીને તે ઘરેઘરે ફરી. પોતાના વિરોધીથી તે ૭૪૫ વોટથી જીતી ગઇ.

આ જીત સચ્ચાઇની, હિંમતની હતી. નૌરતી દેવીએ જોયું કે મહિલાઓ અભણ રહેશે તો તેમની શક્તિ બહાર નહીં આવે. શરૂઆત તેણે ઘરથી કરી. પોતાની પૌત્રીઓને ભણાવી. તેની એક પૌત્રી મેડિકલમાં છે. પોતે ભલે શાળામાં જઇને શિક્ષણ ન લીધું, આ ઉંમરે તેણે કોમ્પ્યૂટરનો કોર્સ કર્યો. આજે તિલોનિયામાં બેરફુટ શાળામાં કોમ્પ્યૂટર શિક્ષિકા છે. એટલું જ નહીં તેણે હરમારાને આંતરરાષ્ટ્રીય સ્તરે રિપ્રેઝન્ટ કર્યું છે. અઝીમ પ્રેમજી સાથે તે ન્યૂયોર્ક ગઇ હતી, ત્યારે તેમણે નૌરતીને કહ્યું હતું કે અભણ હોવા છતાં તે કોમ્પ્યૂટરનો ઉપયોગ સરસ રીતે કરી રહી હતી.

નૌરતીએ કોમ્પ્યૂટર શીખવાની શરૂઆત કરી, ત્યારે ગામમાં કોમ્પ્યૂટર નહોતું. તે ૨૦૦ રૂપિયાના ભાડેથી કોમ્પ્યૂટર લઇને શીખી. આજે તેની પાસે પોતાનું કોમ્પ્યૂટર છે. તેના પર ઇન્ટરનેટ, પાવરપોઇન્ટ અને બે ભાષામાં પ્રોગ્રામિંગ પણ કરી શકે છે. આજે ઘરમાં કોમ્પ્યૂટર હોવા છતાં મહિલાઓ વટથી કહેશે કે મને તો ચાલુ કરતાંય નથી આવડતું. જ્યારે અભણ દલિત મહિલા ચીન, જર્મની અને ન્યૂયોર્ક જઇને પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કરી આવી. કહો, આમાં કોનો વટ રહ્યો?

No comments:

Post a Comment