Total Pageviews

Sunday, July 31, 2011

બાળ નાટક

   ભણતરનો ભાર – દર્શના પુનાતર (બાળનાટક)

(પ્રસ્તુત બાળનાટક ભાર વિનાના ભણતર માટે વાલીઓ શું કરી શકે એ વિશેનું એક નાનકડું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. બાળકોને તેમની પસંદગીના ક્ષેત્રમાં વિકસવા મળે તે ખૂબ અગત્યનું છે એવો આ નાટકનો સૂર છે. જામનગરના ભવન્સ એ. કે. દોશી વિદ્યાલયમાં કોમ્પ્યુટર શિક્ષિકા એવા શ્રી દર્શનાબેનનો પ્રસ્તુત બાળનાટક અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી અનેક સુંદર કૃતિઓ હજુ પણ અવતરે તેવી શુભકામનાઓ. ગુજરાતી રંગમંચ અને અહીં ભજવાતા નાટકો ગુજરાતી સાહિત્ય વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે. તેમના આ બાળનાટકથી અક્ષરનાદ પર ગુજરાતી રંગમંચ વિશેની કૃતિઓ / નાટકોની સમીક્ષા વગેરે મૂકવાની ઈચ્છાની બાળ શરૂઆત થઈ શકી છે.)
* * * *
(પિન્ટુ શાળાએથી છૂટીને ઘરે આવે છે.)
મમ્મી – આવી ગયો બેટા !
પિન્ટુ – (થાકીને લોથપોથ થયેલી હાલતમાં) હા મમ્મી !
પિન્ટુ – મમ્મી, કાલથી મને એક કોથળો લાવી દેજે…
મમ્મી – (આશ્ચર્યથી) કોથળો !! કેમ ?
પિન્ટુ – આ જો ને, બુક્સના ભારથી મારું બેગ પણ ફાટી ગયું છે, હવે આટલી બધી ઢગલો બુક્સ તો કોથળામાંજ સમાય ને ?
મમ્મી – (હસીને) જા, જા, જલ્દી જા, કપડાં બદલીને દૂધ પી લે અને નાસ્તો કરી લે..
પિન્ટુ – કેમ મમ્મી આજે તું બધું જલ્દી જલ્દી કરવાનું કહે છે?
મમ્મી – અરે વાહ ! ભૂલી ગયો ? આજથી તારે સંગીત ક્લાસમાં જવાનું છે.
પિન્ટુ – (મોં બગાડીને) ઉહું, મમ્મી મને સંગીતમાં રસ નથી, મારે નથી જાવું.
મમ્મી – સંગીત તો સાધના કહેવાય બેટા, ચાલ જો, જલ્દીથી તૈયાર થઈ જા !
પિન્ટુ – પણ મમ્મી ….
(મમ્મી પિન્ટુની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.)
મમ્મી – જા બેટા, નહીંતો પહેલા જ દિવસે મોડું થઈ જશે.
(પિન્ટુ પગ પછાડતો રૂમમાં જાય છે. તે પછી પિન્ટુની મમ્મી તેને બળજબરીથી સંગીત શીખવા મોકલે છે જેમાં તેને સહેજ પણ રસ નથી. થોડી વાર પછી)
મમ્મી – અરે વાહ, આવી ગયો બેટા !
પિન્ટુ – (મોં બગાડીને) મને જરા પણ મજા ન આવી.
મમ્મી – (તેને સમજાવતા) અરે, એમ ન બોલાય બેટા, થોડા દિવસોમાં બધુંય આવડી જશે.
પિન્ટુ – પણ મમ્મી મારે સંગીત ક્લાસમાં નહીં, કરાટે ક્લાસમાં જવું છે.
મમ્મી – બસ હવે, એ બધી વાતો પછી, ચાલ હવે હોમવર્ક કરવા બેસ જોઈએ.
પિન્ટુ – (કંટાળીને) મમ્મી, અત્યારે હું થાકી ગયો છું.
મમ્મી – પણ પિન્ટુ, હોમવર્ક તો કરવું જ પડશે ને !! વળી ડેઈલી ડાયરીમાં રિમાર્કસ મળશે. ચાલ હવે લઈ લે તારું હોમવર્ક, જલદી જા.
(મમ્મી જેમતેમ કરીને પિન્ટુ પાસે જબરજસ્તીથી હોમવર્ક કરાવે છે.)
(બીજા દિવસે પિન્ટુ શાળાએથી થાકીને ઘરે આવે છે.)
મમ્મી – આવી ગયો દીકરા, ચાલ જલ્દી ફ્રેશ થઈ જા.
પિન્ટુ – (ગુસ્સે થઈને) ના મમ્મી, મારે સંગીત ક્લાસમાં નથી જવું, હું નહીં જાઊ, મારે રમવા જવું છે.
મમ્મી – તો પછી ક્યાંય નથી જવાનું, બેસી રહે ઘરમાં.
(પિન્ટુ નિરાશ થઈ જાય છે અને પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. થોડી વાર પછી, તેના પપ્પા ઓફીસથી આવીને આરામ કરતાં છાપું વાંચતા હોય છે ત્યારે, તે બહારના ઓરડામાં આવે છે.)
પિન્ટુ – પપ્પા, હું ક્રિકેટ રમવા જાઊં, મારે ક્રિકેટ રમવું છે.
પપ્પા – (ગુસ્સે થઈને) ના, જરાય નહીં, ક્યાંય નથી જવાનું, ચાલો હવે હોમવર્ક કરવા બેસો.
પિન્ટુ – પણ પપ્પા, મારે ક્રિકેટ રમવા જવું છે.
પપ્પા – એક વાર કહ્યું ને કે ક્યાંય નથી જવાનું, રમવા જવું એ શું વળી ? આખો દિવસ બેટ બોલ ઉલાળીને રમ્યા કરવાનું ને સમય બગાડ્યા કરવાનો..
(ત્રીજો દિવસ, મમ્મી અને પિન્ટુ વચ્ચે વાતચીત ચાલી રહી છે.)
મમ્મી – (હાથમાં પરીક્ષાનું પરિણામ છે તે જોઈને) જોયું, કેટલા ઓછા માર્ક્સ આવ્યા છે આ વખતે ? વિકીનું રિપોર્ટકાર્ડ જોયું તે? પૂરા માર્ક્સ જ આવ્યા હશે એને.. !!
પિન્ટુ – પણ મમ્મી મને તેનાથી ખાલી ત્રણ માર્ક્સ જ ઓછા આવ્યા છે.
મમ્મી – ઓછા એટલે ઓછા, કેટલી વખત કહ્યું કે બેટ દડા ઉલાળવાનું બંધ કર અને વાંચતો જા, પણ તું ક્યાં સમજે જ છે. હવે પછીની ટેસ્ટમાં વિકીથી વધારે માર્કસ આવવા જ જોઈએ, સમજ્યો ?
પિન્ટુ – પણ મમ્મી, આખો દિવસ ભણી ભણીને થાકી જઊં છું, હવે રમવા જાઊં ?
મમ્મી – વળી પાછું રમવાનું નામ લીધું ? જા જઈને વાંચવા બેસ ને ગણિતના દાખલા ગણ.
પિન્ટુ – (મોં બગાડીને પગ પછાડે છે) આખો દિવસ ભણભણ કર્યા કરવાનું… (રૂમમાં જતો રહે છે.)
મમ્મી – (પિન્ટુના રૂમમાં જાય છે જ્યાં પિન્ટુ કાગળ પર પેનથી આડાઅવળા લીટા તાણે છે, મમ્મી ગુસ્સે થઈ જાય છે.) આ શું કરે છે તું? તને કહ્યું ને કે વાંચવા બેસ કે મેથ્સની પ્રેક્ટિસ કર !!
પિન્ટુ – (જીદ કરે છે) મમ્મી, મારે રમવા જવું છે, તું સમજતી કેમ નથી ?
મમ્મી – વાહ, તું તારી મમ્મીને સમજાવીશ ? ચાલ હવે વાંચવા બેસ.
(પિન્ટુએ ફરજીયાત ભણવા બેસવું પડે છે.)
(ચોથો દિવસ, પિન્ટુ ખુશ થતો મમ્મી પાસે જઈને કાંઈક બતાવી રહ્યો છે.)
પિન્ટુ – મમ્મી, મમ્મી, આ જો મેં શું બનાવ્યું છે ?
(પિન્ટુએ સરસ મજાની પરી અને તેના હાથમાં જાદૂઈ છડી હોય તેવું સુંદર ચિત્ર દોર્યું છે.)
પિન્ટુ – મમ્મી મારે પેઈન્ટિંગના ક્લાસ કરવા છે.
મમ્મી – આ ચિતરડા તો ઠીક છે પણ એમાં પેઈન્ટિંગ ક્લાસની વાત ક્યાંથી આવી ? તને સંગીત ક્લાસમાં જવાનું કહ્યું તો મોં ચડાવે છે, જો આ બાજુવાળો કેવા સરસ તબલાં વગાડે છે ? તને આવડે છે કાંઈ ? ડોબો…
પિન્ટૂ – પણ મમ્મી, તેનો શોખ અલગ છે. એને આવું દોરતા નહીં આવડતું હોય, તું પૂછજે એને. મારો શોખ અલગ છે. હું ગમે એટલી મહેનત કરું, મને તબલા વગાડતાં નહીં આવડે કારણકે મને તેમાં રસ નથી.
મમ્મી – ઓહો..હો, હવે તું પાછો મને સમજાવવા માંડ્યો !! એકેય ક્લાસમાં નથી જવાનું તારે, પછી તું ભણવામાં ધ્યાન આપતો નથી, હમણાં નેક્સૃટ ટર્મની એક્ઝામ આવી જશે.
(પિન્ટુના પપ્પા આવે છે.)
મમ્મી – લો સાંભળો, તમારા લાડકાને પેઈન્ટિંગ ક્લાસ કરવા છે, ભણવામાં તો પૂરો પડતો નથી.
પપ્પા – (બેસતાં કહે છે) જો પિન્ટુ, એન્જીનીયર બનવા માટે પૂરેપુરું ધ્યાન ભણવામાં જ આપ, આવા બધાં શોખ નહીં રાખવાના.
પિન્ટુ – (ચીડાઈને) પણ પપ્પા, મારે એન્જીનીયર નથી બનવું, ક્રિકેટર બનવું છે.
પપ્પા – એક વાર કહ્યું ને બેટા, મારી ઈચ્છા છે કે તું એન્જીનીયર જ બને.
પિન્ટુ – પણ પપ્પા, ક્રિકેટ ……(પિન્ટુને અધવચ્ચે અટકાવીને)
પપ્પા – જો પિન્ટુ, પહેલાંય તને કહ્યું હતું, રમત સમયનો વ્યય છે. બધાં કાંઈ સચિન નથી બનતા, તારે એન્જીનીયરીંગની લાઈન લેવાની છે એટલે અત્યારથી ભણવામાં વધારે ધ્યાન આપ, ચાલ જઈને ભણવા બેસી જા.
(પિન્ટુ ઘીમા પગલે નિરાશ ચહેરે પોતાના ઓરડામાં જાય છે.
દિવસે ને દિવસે પીન્ટુ ઉદાસ રહેવા લાગે છે. તેને ક્રિકેટ રમવા મળતું નથી પોતાનો શોખ પૂરો કરવા પેન્ટિગ કલાસ જઈ શકાતું નથી.
બસ આખો દિવસ સ્કૂલ હોમવર્ક વાચવાનું લખવાનું…., આ બધાથી તે ખૂબ જ થાકી જાય છે. એવામાં એક દિવસ યથાર્થ કે જે પીન્ટુનો બેસ્ટ ફ્રેન્ડ છે તે તેના ઘરે રમવા આવે છે.)
યથાર્થ – હેય પીન્ટુ હાઉ આર યું? શું કરે છે? ચલ રમીએ…
પીન્ટુ – હેય યથાર્થ આવ.
પીન્ટુ – ચાલ યથાર્થ આપણે કેરમ રમીએ…
(બન્ને કેરમ રમે છે.)
યથાર્થ – (રમતા, રમતા.) કેમ પીન્ટુ તું હમણાં ઉદાસ દેખાય છે ? કોઈ તને ખિજાયું છે ? ?
પીન્ટુ – (નિરાશ થઈને) કોઈ નહિ બસ એમ જ.
(યથાર્થ બ્લેક કુકરીનું નિશાન લે છે. પછી સ્ટ્રાઈકરથી શોટ મારે છે. કુકરી ફટ કરતી હોલમાં પડે છે.)
યથાર્થ – યસસ…..
પીન્ટુ – અરે વાહ. તે તો મસ્ત શોટ માર્યો…
(પછી થોડીવાર સુધી બન્ને કેરમ જ રમે છે.)
યથાર્થ – બસ યાર… ચલ હવે કાંઈક બીજું રમીએ. (ત્યાં યથાર્થ પીન્ટુનું બેટ જુએ છે.) હેય નાવ લેટ’સ પ્લે ક્રિકેટ.
પીન્ટુ – ક્રિકેટ?? ના ના.. ક્રિકેટ નહિ પપ્પાએ ક્રિકેટ રમવાની ના પાડી છે.
યથાર્થ – (નવાઈથી) પણ કેમ?
પીન્ટુ – પપ્પાએ કીધું કે ક્રિકેટ નહિ રમવાનું. એ સમયની બરબાદી છે.
યથાર્થ – પણ ક્રિકેટ રમવાની તો કેવી મજા આવે છે. મને તો મારા પપ્પા કોઈ દિવસ ના નથી પાડતાં. મારે જે રમવું હોય તે રમવાનું.
પીન્ટુ – ખરેખર? તારા પપ્પા તને કદી કંઇ કરવાની ના પાડતા નથી?
યથાર્થ – ના… બસ એકવાતનું ધ્યાન રાખવાનું કે કોઈનું નુકશાન નથાવું જોઈએ અને બહુ તોફાન નહિ કરવાનાં.
પીન્ટુ – (નિરાશ થઈને) તારે તો કેવું સારું. હું તો તોફાન પણ નથી કરતો તો પણ ક્રિકેટ નહિ રમવાનું. પેન્ટિંગ નહિ કરવાનું. આ નહિ ને પેલું નહિ… તું તો લકી છો યાર.
યથાર્થ – હા. મારા મમ્મી પપ્પા બહુ જ સારા છે. મને જે કરવું હોય તે કરવા દે છે.મારે જે ક્લાસ જૉઇન કરવા હોય તે છૂટ. મને પેન્ટિંગમાં રસ નહોતો માટે મે મમ્મીને ના પાડી. તો મમ્મીએ કહ્યું કે વાંધો નહિ બેટા કશું ફરજિયાત નથી જે વસ્તુમાં રસ ન હોય તે નહિ કરવાનું. જેનો જેવો શોખ હોય તેમજ કરવું જોઈએ.
(એટલામાં યથાર્થના મમ્મી પપ્પા તેને લેવા આવે છે. પીન્ટુના મમ્મી – પપ્પા તેને વેલકમ કરે છે…)
પીન્ટુના મમ્મી – આવો આવો ઘણો વખતે આવ્યાં બેસો.
પીન્ટુના પપ્પા – કેમ છો? શું ચાલે છે? મજામાં ને??
યથાર્થના પપ્પા – બસ બઘું બરાબર ચાલે છે. તમે કેમ છો?
પીન્ટુના પપ્પા – બસ મજામાં…
(તે દરમ્યાન પીન્ટુના મમ્મી પાણી લાવે છે. પછી બઘા વાતોએ વળગે છે.)
પીન્ટુના પપ્પા – શું કહે છે યથાર્થનો પ્રોગેસ?
યથાર્થના પપ્પા – જુઓ હું તો માનું છું કે બાળકોને તેમની રીતે આગળ વધવા દેવા જોઈએ. ખોટી બળજબરીથી તેમનો વિકાસ અટકી જાય છે. યથાર્થ પર અમે કોઈ જ બળજબરી કરતાં નથી. તેને વાચવું હોય ત્યારે વાંચેને પછી ફ્રેશ થાવ રમવા જાય. અમે તેને કદી વાંચવા માટે ફોર્સ કરતા નથી. તેના સ્તો સાથે હળેમળે. ગેમ્સ રમે શેરીમાં દોડાદોડી કરે. આ બધાથી તેને ગજબની સ્ફૂર્તી મળે છે.
યથાર્થ ની મમ્મી – એટલું જ નહિ તે પોતાની મરજીથી જ બીજી પ્રવૃતિઓમાં ભાગ લે છે જેમ કે કરાટે, ડાન્સ વગેરે…
પીન્ટુના મમ્મી પપ્પા એકબીજાનું મો તાકવા લાગે છે કારણ કે તેમનું વર્તન પીન્ટુ સાથે સાવ જ વિરોધી હતું. બન્ને ખૂબ ક્ષોભ અનુભવે છે……
યથાર્થની મમ્મી – બાળકોને ઊડવા માટે ખુલ્લું આકાશ આપવું એ મા-બાપની જવાબદારી છે. તેમના પર આપણી ઈચ્છાઓને થોપવી એ તેમની વિકાસ રોકવા બરાબર છે.
યથાર્થના પપ્પા – માટે જ અમે યથાર્થને અમે પૂરી છૂટ આપીએ છીએ.હા પણ તેની ખોટી જીદ નથી ચલાવતા.
યથાર્થની મમ્મી – હમણાં જ એણે કહ્યું કે એને પેન્ટિંગમાં નહિ પણ ડાન્સમાં રસ છે તો એને ડાન્સ ક્લાસ જોઈને કરાવી આપ્યા.
યથાર્થના પપ્પા – ભવિષ્યમાં પણ એણે શું કરવું ક્યા ફિલ્ડમાં આગળ વધવું એ પણ એ જ નક્કિ કરશે.
(પીન્ટુના મમ્મી- પપ્પાને પોતાની ભૂલ સમજાય છે. બન્ને યથાર્થના મમ્મી-પપ્પાની વાતો ગળે ઊતરે છે. તેઓ સમજાય જાય છે કે બન્ને ક્યાં ખોટાં પડ્યાં છે.)
યથાર્થની મમ્મી – આ બધાની સાથે એ પોતાનું સ્ટડિમાં પણ બરાબર ધ્યાન આપે છે એટલે કોઈ ચિંતાની વાત નથી.
યથાર્થના પપ્પા – આજે કદાચ આપણી વાત માનીને એ કોઈ કામ કરવા તૈયાર થશે અને કરશે પણ ખરાં પરંતુ, તે કામમાં એનુ મન નહિ હોય.એ કામ ખાલી કરવાં ખાતર જ કરશે. એને જે કામમાં એની ખુશી ન હોય એ કામનું પણ શું?
યથાર્થ ની મમ્મી – માટે સારું તો એ જ કહેવાયને કે એ કોઈ એવું કામ કરે જેમાં તેને રસ હોય.
(આ બધી વાતો સાંભળીને પીન્ટુંના મમ્મી-પપ્પાનું હદય પરિવર્તન થય છે.)
પીન્ટુના મમ્મી પપ્પા – ઓહ તમે એકદમ સાચા છો. તમે તો મારી આંખો ખોલી નાખી.
યથાર્થના મમ્મી પપ્પા – કેમ કેમ??
પીન્ટુના પપ્પા – જાણ્યે અજાણ્યે અમે પીન્ટુને ઘણો અન્યાય કરી રહ્યાં હતાં. હવે બઘું પીન્ટુની ઈચ્છા મુજબ જ થશે.
પીન્ટુના મમ્મી – (બન્ને બાળકોને બોલાવે છે.) પીન્ટુ, યથાર્થ….
પીન્ટુના પપ્પા – હવેથી તારે જે ક્લાસ જોઈન કરવા હોય તે છૂટ, ઓકે?
પીન્ટુ – (ચહેરો ખીલી ઉઠે છે.) સાચે જ પપ્પા??????
પીન્ટુના મમ્મી – હા બેટા અને તારે કરાટે શીખવું હતુ ને તો કાલથી જ કરાટે કલાસ શરૂ ઓકે?
પીન્ટુ – (પીન્ટુ ખૂબ જ ખુશ થઈ જાય છે.) ખરેખર મમ્મી??
પીન્ટુના પપ્પા – અને હા પીન્ટુ ભવિષ્યમાં પણ તારી કારકિર્દીનો નિર્ણય પણ તારો જ રહેશે. હો કે.
(પીન્ટુને તો જાણે ઊડવાનું ખુલ્લું આકાશ મળી ગયું હોય તેમ ખુશીથી નાચી ઉઠે છે.)
યેયેયેયે….
(પીન્ટુને ખુશ થયેલો જોઈ તેના મમ્મી પપ્પા પણ ખુશ થઈ જાય છે.)
પીન્ટુના પપ્પા – થેંક્સ ટુ યથાર્થના મમ્મી – પપ્પા. તમારે લીધે આજે અમારા વિચારો બગલાઈ ગયા.
યથાર્થના મમ્મી – પપ્પા – ત્યારે તો અમારું તમારા ઘરે આવવું યથાર્થ સાબિત થયું ખરું ને??
બધા હસી પડે છે.
પીન્ટુ – (યથાર્થનો હાથ પકડે છે.) યાર યથાર્થ તું તો ખરેખર લકી છો મારા માટે.
( બન્ને ભેટી પડે છે.)
  !
મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)



{ વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.

શ્રી મહેન્દ્ર મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથી, “પહાડી નિશાળના પડઘા”, મૂળ સંપાદક શ્રી સેઈક્યો મુચાકુ, ગુજરાતી અનુવાદ શ્રી મહેન્દ્ર મેઘાણી – માંથી સાભાર. }

બા ગુજરી ગઈ તેને કાલે પાંત્રીસ દિવસ થશે. આજા આખો દિવસ મને બાના ને અમારા ઘરની દુર્દશાના જ વિચાર આવ્યા કર્યા છે. અમે એટલા બઘા ગરીબ છીએ કે કાલ પાંત્રીસમા દિવસની વિઘિ ઊકલી ગયા પછી કાકા મારા નાના ભાઈને લઈ જશે ને એને દત્તક લઈ લેશે. ભાઇ જતો રહે તે મને બહુ વસમું લાગે છે. એવો ડાહ્યો છોકરો છે, ને હું જેમ કહું તેમ કરે છે! મારી નાની બહેન સુએકોને બીજા કાકા દત્તક લેવાના છે. પણ બા ગુજરી ગઈ ત્યારનું એને ઉટાંટિયું થયું છે તે મટશે પછી જ એ કાકાને ઘેર જશે. પછી ઘરમાં રહેશું, દાદી ને હું- બે જ જણ. 74 વરસનાં દાદી બે જણનું રાંઘણું યા માંડ માંડ રાંઘે છે. બા એ અમને બઘાં ભાંડરડાંને ભેગાં રાખવા બહુ મથામણ કરી; પણ હવે એ ગઈ, ને અમે વેરણછેરણ થઈ જવાનાં. 2/3એકરની અમારી જમીન છે – તેમાં ઘર ને ખેતર બઘું આવી જાય. બાપા ગુજરી ગયા પછી એટલી જમીનમાંથી અમારો રોટલો પેદા કરવા બાએ એકલે હાથે ખૂબ મહેનત કરી. હવે મારે એ જમીના ઉપર મજૂરી તો કરીને દાદીનો ને મારો ગુજારો કરવાનો આવ્યો છે. બાને એક હોંશ હતી કે હું ઝટ મોટો થઈને એને કામમાં મદદ કરું. એના શરીરમાં તો ઝાઝું કૌવત મળે નહિ, પણ અમારાં પેટ ભરવા અને સરકારી કરા વેરા ભરવા એણે કામ ખેંચ્યે રાખ્યું. છેલ્લા દિવસોમાં, શુદ્ઘિ રહી નહિ તે પછી પણ, એ ગણગણતી હતી: “લાકડા વીણી આવ્યા?” ;”ગાજરની સુકવણી કરેલી તેને મીઠું ને ચોખાનો આથો ચડાવ્યો?”;લીલાં શાકને અથાણું કરવા ઘોઈને તૈયાર રાખ્યા?” કોઈ રોગને લીઘે મા મરી ગઈ તેનાં કરતાં આ ઢોર મજૂરીમાં જા એ ઉકલી ગઈ, એમ મારું મન તો કહ્યા કરે છે. એને મદદ કરવા હું મથામણ તો ઘણીય કરતો, ને નિશાળ પડતી મૂકીને ઘેરા રહેતો. પણ માને માથે કામનો કેવો ડુંગર જેવડો બોજો હતો તેની તો, મરણપથારીએથી એ જે બબડતી હતી તે સાંભળીને જ મને ખબર પડી. એ શબ્દો મારાથી સાંભળ્યા જતા નહિ એટલે,બા પાસે બેસવાનું મન હતું છતાં, હું દોડીને કામે ચડી જતો.

12મી નવેમ્બરે, બાના મરણના આગલા દિવસે, જંગલ માંથી લાકડાં લાવવામાં પાડોશીઓએ મને મદદ કરી. એમની મદદ વિના મારું કોણ જાણે શું યે થયું હોત! તા.13મીએ ગામની ઈસ્પિતાલમાંથી સંદેશો આવ્યો કે બા છેલ્લાં ડચકાં ભરી રહી છે.

એની પથારીની આજુબાજુ અમે બઘાં ભેગાં થયાં ત્યારે મેં બાને વાત કરી કે લાકડાં લાવવામાં પાડોશીઓએ મને કેવી મદદ કરી હતી. સાંભળીને બા હસી: હું જીવીશ ત્યાં સુઘી એનું એ હસવું ભુલાશે નહિ. ખરી રીતે, ત્યાર પહેલાં કોઈ દી મેં બાને હસતાં જોયેલી પણ નહિ.

બાની જિંદગીમાં હસવા જેટલું સુખ હતું નહિ. પરણી ને આવી ત્યારથી, ને ખાસ તો બાપા ગુજરી ગયા પછી, એનું શરીર ને એનો આત્મા કુટુંબને ટકાવી રાખવાની હોડમાં ઊતર્યા હતા- ને હારતાં જતાં હતાં. દિવસોના દિવસો સુઘી, મહિનાઓ સુઘી, વરસો સુઘી,અમારી હાલત સુઘારવા એ જાણે કે જુદ્ઘે ચડી હતી. સરકારી મદદ ના લેવી પડે તે માટે એણે કાળી મજૂરી કરીને કાયા ઘસી નાખેલી.પણા માથે દેણું વઘતું જતું હતું. એટ્લે છેવટે 1948માં એ અને દાદી ગામની સરકારી કચેરીએ મદદ માંગવા ગયાં. તે દિવસથી બા જાણે બદલાઈ જા ગઈ. અમે સરકારી મદદ ઉપર નભતાં હતાં એ વાત બા ને દાદી વારેઘડીએ અમને યાદા કરાવતાં.

તે પછી એકા વરસ ને નવ મહિને માંદી બાની હાલત એવી થઈ કે પથારીમાંથી ઉઠાય પણ નહિ. જો કે એતો કીઘા જ કરે કે, થોડા દિવસામાં હું હરતી ફરતી થઈ જઈશ. પણ એની હાલત બગડતી જ ચાલી. દાદીમા વારેવારે કહે કે દાક્તરને બોલાવીએ. પણ બાના પાડે કે, આપણને દાક્તર પોસાય ક્યાંથી? “એતો એવો વખતા આવે,” દાદીમા કહેતાં:” તો ખેતર વેચીને યા દવા કરાવવી પડે.” પણ ખેતર કદી વેચાયું નહિ,ને બા સાજી થઈ નહિ.

એક દિવસ બાજુમાંથી તારોસાન આવેલા તેમણે દાદીમાને દાક્તરની વાત કરતાં સાંભળ્યાં. એ તો ચોંકી ઊઠ્યાં: ‘તે શું હજી સુઘી તમે દાક્તરને તેડાવ્યા નથી? તમને ખબર નથી કે સરકારી મદદ જેને મળતી હોય તેને દાક્તરી મદદ પણ મફત મળે છે? હમણાં જ જઈને હું દાક્તરને મોકલું છું.”

દાક્તરે બાને તપાસીને કહ્યું કે એને તરત ઇસ્પિતાલે લઈ જવી પડશે; એના હ્રદયમાં ભારે રોગ પેસી ગયો હતો. ‘ઇસ્પિતાલ’નું નામ સાંભાળતાં જ ઘરમાં ફફળાટ થઈ જતો,કારણકે દરદીની સંભાળ રાખવા ઘરના બઘા બીજા કોઈ માણસને પણ એની સાથે ત્યાં જવું પડે. મેં સાંભળ્યું છે કે પરદેશની ઈસ્પિતાલોમાં નર્સો જ દરદીની બઘી સંભાળ રાખે છે.અને ઇસ્પિતાલના રસોડમાં જ બઘાં દરદીની રસોઈ થાય છે.આ તો બહુ સરસ ગોઠવણ કહેવાય.એવું જાપાનની ઇસ્પિતાલોમાં પણ થાય તો કેવું સારું!

પહેલો સવાલા મારે એ ઊભો થયો કે બાની સંભાળ રાખવા ને એની રસોઈ કરવા ઇસ્પિતાલમાં કોણ જાય? જો હું જાઉં તો કામા કરનારું કોઈ રહે નહિ. ત્યારે, દાદી તો બહું ઘરડાં હતાં. બાકી રહી નાની સુએકો. પણ એ નવ વરસની છોકરી, માંદાની માવજાતના કાંઈ અનુભવા વિનાની, કેવી રીતે દરદીનું બીજું બઘું કામ કરે? પણ બીજું કોઈ તો હતું જ નહિ; સુએકોને મોકલ્યા વિના છૂટ્કો જ નહોતો.

દાક્તર અમારે ઘેર જ્મ્યા, તે પછી ગયા, એટલે હું ને દાદી બાને ઇસ્પિતાલે પહોંચાડવાની તૈયારીમાં પડ્યાં.

વળતે દિવસે, કાકા કોઈની સાઇકલ-રિક્ષા માગી લાવ્યા. એમાં અમે ગાદલાં પાથર્યા, ને બાને એની ઉપર સુવડાવી. ગોદ્ડું ઓઢાડ્યું. એ બઘાંની ઉપર પાછો ચીકણો કાગળ પાથરી દીઘો – એટલે વરસાદ ના લાગે. પછી બાના મોઢા ઉપર રહે તેવી રીતે એકા ખુલ્લી છત્રી રિક્ષા ઉપર અમે બાંઘી; અને પછવાડે શાકભાજી, ચોખા ને ઠામવાસણ બાંઘ્યાં. ઇસ્પિતાલે પહોંચતાં પહોંચતાં બાને બહુ હડદા લાગ્યા; પણ એણે ઘીરજથી સહન કર્યે રાખ્યા. બા ઇસ્પિતાલમાં જઈને સારવાર પામશે એ વિચારે હું રાજી થયો. પણા પછી ખેડનાં કામનો બઘો ભાર માથે આવ્યો. બાની પાસે જવાનું ઘણુંયે મન થાય, પણા વખત જ ના મળે. એમાં નિશાળે જવાનો તો સવાલા ક્યાંથી આવે?

કામ ખેંચ્યે રાખવા સિવાય મારે બીજો કોઈ રસ્તો નહોતો, એ દિવસોમાં પછી ગામનાં લોકો મને મદદ કરવા લાગતાં, નવેમ્બર ૧૩મીએ બા ગુજરી ગઈ.

મારા વર્ગના છોકરાઓએ અંતિમ સંસ્કાર માટે થોડા પૈસાનું ઉઘરાણું કર્યું હતું, એ છોકરાઓને લઈને અમારા બે શિક્ષક સ્મશાનમાં આવ્યાં હતાં, અંતિમ સંસ્કારનો બધો ખર્ચ ચૂકવાઈ ગયા પછી દાદી કહે કે, “હવે આપણી પાસે ૭૦૦ યેન રહ્યા છે, તારા બાપા ગુજરી ગયા ત્યારે તો ઘરમાં આટલાય પૈસા નહોતા.” પણ અમે કરજ ચૂકવવા માંડ્યા તો ૭૦૦૦ યેન તો ચટ થઈ ગયા ને ઉલટું ૪૫૦૦ યેન નું દેવું માથે રહ્યું.

આ બધો વિચાર કરતા મને મારા બાપા મરી ગયા તે દિવસો યાદ આવ્યા, ત્યારે હું હતો છ વરસનો જ્ પણ મને બધું યાદ છે, બાએ ને દાદીએ એની વાતો એટલી બધી વાર મારે મોઢે કરી છે કે મારાથી એ ભૂલાય જ નહીં. બાપા ગયા પછી બીજે દિવસે ઘરમાં ચોખા ક્યાંથી આવવાના હતા તેની બાને કે દાદીને ખબર નહોતી. એ બેઊ મંડ્યા ઘાસની સપાટ બનાવવા, ને એના બદલે ચોખા લઈ આવ્યા, એ દિવસોમાં જેટલી સપાટ એ બનાવે તેના છ શેર ચોખા મળે. બા કહે કે, સપાટના એ ભાવ સારા કહેવાય. ઘરમાં અમે નાનાં છોકરાં હતાં તેથી રોજના ચાર શેર ચોખાથી અમારે થઈ રહેતું. એ રીતે ધીમે ધીમે અમારી પાસે થોડીક સિલક ભેગી થવા માંડી.

તનતોડ મજૂરી કરી અમે દિવસ કાપતાં, બા ને એમ કે હું મોટો થાઊં ત્યાં સુધી જેમતેમ કરીને ખેંચી નાખીએ તો પછી વાંધો નહીં આવે. કેટલીયે વાર બા કહેતી કે “કોઈચી મોટો થઈને આપણને કામમાં મદદ કરશે પછી તો આપણે બધું દેવું માથેથી ઉતારી નાખીશું.”

બસ બા નાં જીવનમાં આ એક જ વાતની શાતા હતી, પણ એનું એ સ્વપ્ન કદી સાચું પડ્યું નહીં, ગરીબીએ એને ભીંસી જ નાખી. ગમે તેવી કાળી મહેનત કરે તો પણ કાંઈ વળતું નહીં, બા શું ખરેખર એમ માનતી હશે કે ભણી ગણીને કામે પડીશ એટલે અમારી હાલત સુધરી જશે? આખરે તો, બાએ જે કર્યું તેથી વધારે હું શું કરી શકવાનો હતો? આવા બધા વિચારો આડે મને ઉંઘ પણ આવતી નથી. બહુ બહુ વિચાર કરીને પછી એક યોજના બનાવીને અમારા માસ્તરને મોકલવાનું મેં નક્કી કર્યું.

આવતે વરસે મિડલ સ્કૂલમાં મારું છેલ્લું વર્ષ છે, ફરજિયાત ભણતર ત્યારે પૂરું થશે. મારે વરસ આખું નિયમિત નિશાળે જવું છે, તે પછીના વરસે હું થાય એટલી મહેનત કરીને અમારું દેણું ચૂકવીશ, કો’ક દી’ય જો મારી પાસે પૈસા બચશે તો એમાંથી મારે ચોખાનું એક ખેતર લેવ્ છે. અત્યારે તો અમારા ખેતરમાં એકલાં શાકપાન ઉગે છે, એટલાથી અમારું પૂરું થાય નહિં. મારે નવું નવું ભણીગણીને હુશિયાર થવું છે; એટલે પછી બકરાની જેમ કોઈ ચારો નીરે ત્યારે ખાવાને બદલે હું માણસની જેમ કામ કરી શકું.

પણ આ બધી યોજનાનો મેં ફરી વિચાર કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી કેટલી બધી ભૂલ થતી હતી. પહેલા તો ચોખાનું ખેતર લેવા જેટલા પૈસા જ હું ક્યાંથી બચાવી શકવાનો હતો? વળી હું જે ખેતર ખરીદું તે બીજા કો’ક કુટુંબ પાસેથી જ આવવાનું ને ? એટલે પછી એ બાપડાં આજે અમે છીએ તેવા જ ગરીબ થઈ જવાનાં ને ?

હજી તો અમારે માથે કરજ ઉભા છે, દાદીમાનો, મારો ને નાના બે ભાઈ બહેનનો ગુજારો કરવાનો કોઈ રસ્તો નથી. એટલે તો એ બેયને દત્તક લેવાનું અમારા કાકાને કહેવું પડ્યું. પણ એ બે ન હોય તો યે બે ટંક ખાવાના જ અમારે મહિને ૨૦૦૦ યેન જોઈએ. લૂગડાં ને બળતણ તો જુદાં. એ ઉમેરીએ તો તો ૨૫૦૦ યેન થઈ જાય. અમારા ખેતરમાં તમાકુ થાય છે, તેની આવક અને સરકારી મદદ બેયની મળીને એટલી રકમ થાય, પણ પેલા દેણાં તો ઉભાં ને ઉભાં જ રહે છે. એટલે ચોખાનું ખેતર ખરીદવાની મારી રૂડીરૂપાળી યોજના સ્વપ્ન જેવી જ રહેશે.

અમે ગરીબ છીએ એ કાંઈ અમારી અશક્તિ કે આળસને લીધે નથી. અમારી પાસે પૂરતી જમીન નથી એ એક જ એનું કારણ છે. પાંચ જણનું કુટુંબ પોણા એકરના ટુકડા ઉપર કેમ કરીને નભી શકે? અમારા નસીબમાં આખરે તો ગરીબી જ મંડાયેલી રહેશે. બાપાના નસીબમાં એ હતી, બાના નસીબમાં યે હતી ને મારા નસીબમાંયે કદાચ એ જ રહેશે.

૨૯મી નવેમ્બરે મારા માસ્તરે ને હેડમાસ્તરે મને બોલાવ્યો ત્યારે મારા નસીબમાં શું મંડાયું હશે તે તેમને પૂછવાનો મારો વિચાર હતો પણ હજી હું કાંઈ બોલું તે પહેલા મચાકુભાઈએ પૂછ્યું તમે હજી રોજ ડુંગરામાં લાકડા વીણવા જાવ છો? શિયાળો આખો ચાલે એટલાં લાકડાં ભેગાં કરતાં તમને કેટલા દિવસ લાગશે? ને લાકડા લાવ્યા પછી તમારા ઘરનું શું શું કામ બાકી રહેશે?”

એમને મેં કહ્યું કે, “પાડોશીઓ મને મદદ કરે છે તે છતાં હજી મારે ઘણું બળતણ લાવવાનું બાકી છે. ને તે પછી તમાકુના પાન વીણીને તેને ચપટાં બનાવવાનાં છે.”

“એમાં કેટલાં દિવસ લાગશે?” એમણે પૂછ્યું.

“કોણ જાણે ! મને તો ખબર પડતી નથી” મેં કહ્યું.

“વરસ આખાનાં બઘાં કામનો હિસાબ રાખવો જોઇએ. તો જ આપણને ખબર પડે કે શેમાં કેટલો વખત જાય છે. આજથી જ નોંઘ રાખવા માંડજો!… હ્ં, તો પછી ક્યું કામ બાકી રહેશે?”

“બરફ પડવા માંડે તે પહેલાં ઘરનાં છાપરાં ઉપર સાદડી લગાડવાની છે. તે પછી મારે નિશાળે અવાશે.”

“તો તો પછી આ સત્રમાં થોડાક દિવસ જ તમે નિશાળે આવી શકશો;” માસ્તર બોલ્યાઃ “એ તો કામ ન જ આવે. જુઓ, કાલે તમે ચોખાનું ‘રેશન’ લેવા જાવ ત્યારે નિશાળે આવજો. મહિના દીથી તમે નિશાળે નથી આવ્યા. બઘા છોકરાઓને તમારે મળવાનું છે; તમારી બા ગુજરી ગયાં ત્યારે એમણે જે મદદ કરેલી તે માટે એમનો ઉપકાર માનવાનો છે. કાલે તમે આવો ત્યારે તમારા કામનો એક નકશો બનાવીને લેતા આવજો; હું એમની ઉપર નજર નાખી જઈશ.”

એ શબ્દો સાંભળીને મારી છાતી ઉપરથી જાણે મોટો ભાર ઓછો થયો. ક્યા કામમાં કેટલા દિવસ જશે તે બતાવતો કોઠો તૈયાર ક્ર્યો ત્યારે મેં જોયું કે માસ્તર કહેતા હતા તેમ ડિસેમ્બર મહિનાના છેલ્લા એક-બે દિવસ રહે ત્યારે જ હું નિશાળે જઈ શકવાનો હતો.

બીજે દિવસે એ કોઠો લઈને હું નિશાળે ગયો; મુચાકુભાઈન એ એ બતાવ્યો.

થોડી વાર સુઘી એમણે એ કાળજીથી જોયો; ને પછી કહ્યું;”તમે – તોઝાબુરો, સોજુ, શુનિચિ અને સુતોમુ – તમે જરા શિક્ષકોના ઓરડામાં લઈ જાવ, ત્યાં હું આ આવ્યો.”

ત્યાં આવીને એમણે મારા કામનો કોઠો તોઝાબુરોના હાથમાં મુક્યો, ને કહ્યું ;”આ તમને કેમ લાગે છે?”

તોઝાબુરોએ વાંચીને બીજાના હાથમાં મુક્યો. બઘાં વાચી રહ્યાં પછી શિક્ષક બોલ્યાઃ “કાં, કેમ લાગે છે?”

“અમે બઘાં ભેગા મળીને એ કામ ઝપાટામાં ઉકેલી નાખશું;” તોઝાબુરો બોલ્યોઃ “કાં અલ્યાવ, નહિ કે? તે પછી કોઈચી પણ આપણી જેમ નિશાળે આવી શકશે.”

બીજા છોકરાઓએ હસતે મોઢે ડોકાં ઘુણાવીને હા પાડી. હું કાંઈ બોલી શકયો નહિ.આંખમાંથી પાણીઊભરાતાં હતાં તેને રોકી રાખવા હું પાંપણ પટપટાવ્યે જતો હતો.

“પણ કામ બરાબર પાકું થાય તેનું ઘ્યાન રાખજો, હો!” શિક્ષક બોલ્યાઃ સહુ ભાગે પડતું વહેંચી લો, ને ઝપાટાબંઘ પૂરું કરી નાખો.”

હવે આંસુ રોક્યાં રોકાયા નહિ; લાજશરમ મૂકીને એ મારા ખોળામાં ટપક્યાં.

૩જી ડિસેમ્બર ને શનિવાર આવ્યો ત્યાં સુઘીમાં નિશાળના છોકરાઓએ ને થોડાં ગામલોકોએ મળીને મારું તમામ કામ આટોપી નાંખ્યું હતું. નિશાળે ક્યારે જવાશે તેની ચિંતા હવે મારે રહી નહોતી. કેવા સારા શિક્ષક ને કેવા મજાના દોસ્ત મને મળ્યા છે!

બા ગુજરી ગઈ એનો કાલે પાંત્રીસમો દિવસ છે. એના આત્માને આ બઘી વાત હું કહીશ. બાને હું વચન આપીશ કે, હું ખૂબ ખૂબ મહેનત કરીને ભણીશ; ને ભણીગણીને હું શોઘી કાઢીશ કે બા આટઆટ્લું વૈતરું કરતી છતાં તેમાંથી કેમ ઊપજતું નહિ? બીજાં લોકો એની જેમ મિનિટે- મિનિટ મજૂરી કરે છે તોય એમના ગુજરાન જેટલું એ કેમ રળી શકતાં નથી? ભણીગણીને બીજું મારે એ શોઘી કાઢવું છે કે જે માણસ મને પોતાનું ખેતર વેચે તેને મુસીબતમાં મૂક્યા વિના હું ચોખાનું ખેતર કઈ રીતે ખરીદી શકું?

અમારી શાળામાં ટોશીઓ નામનો બીજો એક છોકરો છે. એના ઘરની હાલત તો મારા કરતાંય ખરાબ છે. એને તો ત્રીસે દી ને બારે ય મહિના ડુંગરામાંથી લાકડાં ઘસડી લાવવાની ને કોલસા પાડવાની મજૂરી કરવી પડે છે. એટલે એ ક્યારેક જ નિશાળે આવે છે. અમે બઘાં ભેગા મળીએ તો બીજા છોકરાઓએ મને મદદ કરી તેમ કદાચ એને પણ અમે મદદ કરી શકશું.

- કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો

ગણિત ગમ્મત






જાદુગર પ્રેક્ષકો સમક્ષ આવે છે અને ફલક પર મોટા અક્ષરે 7 લખે છે. બોર્ડ નહીં હોય તો મોટા કોરા કાગળ પર લખી શકાય. જાદુગર કહે છે, ‘દોસ્તો, તમે કોઈ પણ સંખ્યા ધારો ને પણ, મેં કહેલાં પગથિયાં અનુસરો તો છેવટે જવાબ 7 જ આવશે. તમારા મનમાં કોઈ પણ સંખ્યા ધારી લો. અને નીચેના પગથિયાં અનુસરો. આવો, શરૂઆત કરીએ.’

પગથિયાં :
[1] કોઈ પણ સંખ્યા ધારો.
[2] તે સંખ્યાને બમણી કરો.
[3] પરિણામમાં 17 ઉમેરો
[4] પરિણામમાંથી 3 બાદ કરો.
[5] પરિણામને 2 વડે ભાગો.
[6] પરિણામમાંથી ધારેલી સંખ્યા બાદ કરો.
[7] શું પરિણામ આવ્યું ? સાત જ ને ?

ઉદાહરણ:
ધારો કે સંખ્યા 23 ધારી છે. તેને બમણી કરતાં 46 થશે. તેમાં 17 ઉમેરતાં થશે 63. હવે પરિણામમાંથી 3 બાદ કરતાં 60 બનશે. તેને બે વડે ભાગતાં 30 થશે અને તેમાંથી ધારેલી સંખ્યા એટલે કે 23 બાદ કરતાં 7 જ વધશે ! આનું રહસ્ય શું ? ચાલો, એ જોઈએ. ધારો કે આપણે x સંખ્યા ધારી છે અને હવે ઉપરના પગથિયાં અનુસરીએ છીએ. તો પરિણામ કંઈક આ પ્રમાણે થશે.
ધારેલી સંખ્યા : x
2 X x = 2x
2x+17
2x+17 – 3 = 2x + 14
(2x+14) / 2 = x + 7
x + 7 – x = 7

દેડકાનું જીવનચક્ર

દેડકાનું જીવનચક્ર


તમને ખબર છે દેડકાનાં અન્ય નામ કયા છે ??/
દેડકાને અંગ્રેજીમાં ફ્રોગ કહેવાય પણ તેનું શાસ્ત્રીય નામ રાના ટાઈગ્રીના (Rana tigrina) છે.
આજે આપણે જોઈએ કે દેડકાનો જન્મ કેવી રીતે થાય
તમને બધાને ખબર છે કે ઉનાળામાં કે શિયાળામાં દેડકા જમીન પર જોવા મળતા નથી પણ જેવો વરસાદ પડે કે તરત ઢગલાબંધ દેડકા જમીન પર કુદાકુદ કરતા જોવા મળે છે. આવું કેમ??????
દોસ્તો, દેડકો શીત રૂધિરવાળું Coldblooded animal પ્રાણી છે એટલે કે ઉનાળામાં જ્યારે સખત ગરમી પડતી હોય ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે જો આ વખતે કાંઈ ના કરે તો તેના શરીરનું લોહી ઉકળવા માંડે.અને શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે તેના શરીરનું તાપમાન એકદમ નીચું જતું રહે છે.આ સમયે પણ જો તે કાંઈ ના કરે તો તેનું લોહી થીજી જ જાય. પણ ભગવાને દરેક પ્રાણીને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે કાંઈ ને કાંઈ બક્ષીસ આપી જ હોય છે. દેડકાને ખબર હોય છે કે જમીનની નીચે તેના પેટાળમાં બહાર કરતાં અલગ જ તાપમાન હોય છે. જમીનની ઉપર ગરમીએ હોય તો તેના પેટાળમાં ઠંડક હોય છે અને જો જમીનની ઉપર ઠંડક હોય તો તેનાં પેટાળમાં હુંફાળું વાતાવરણ હોય છે. એટલે તો દેડકા ઉનાળામાં જમીનની નીચે જતા રહે છે જેને તેમની ગ્રીષ્મનિદ્રા કે ગ્રીષ્મસમાધિ કહે છે. અને શિયાળામાં પણ તે જમીનની નીચે જતા રહે છે જેને તેમની શીતનિદ્દ્રા કે શીતસમાધિ કહે છે. આ સમયે એટલેકે ગ્રીષ્મસમાધિ દરમ્યાન અને શીતસમાધિ દરમ્યાન તેઓ કશું જ ખાતા નથી.ચૂપચાપ એક જ જગ્યાએ બેઠા રહે છે.
બોલો આને સમાધિ જ કહેવાય ને ???????
જ્યારે ચોમાસું આવે ત્યારે બધા જ દેડકા ડ્રાઉં…ડ્રાઉં અવાજ કરતા જમીનની ઉપર આવી જાય છે. આ સમયે તેઓ ખવાય તેટલો ખોરાક ખાય છે. અને સાથેસાથે પ્રજનન પણ કરે છે. તમે જો દેડકાના અવાજને બરાબર ધ્યાનથી સાંભળ્યો હોય તો કેટલાક અવાજ ખૂબ મોટા અને લાંબા હોય છે અને કેટલાક અવાજો ધીમા અને ટૂંકા હોય છે. જે મોટા અને લાંબા અવાજો હોય તે નર દેડકાના હોય અને ધીમા તથા નાના અવાજો હોય તે માદા(દેડકીના) હોય. નર આવા અવાજો કરીને માદાને આકર્ષે છે આ ઉપરાંત નરની ચામડીનો રંગ પણ ચળકતો પીળૉ બની જાય છે.જ્યારે માદાનો ઘેરો -મેલો લીલો રંગ હોય છે. નર કોઈ પણ જળાશયની નજીકમાં જ રહીને આવા અવાજો કરે છે. જે માદા પરિપક્વ થઈ હોય તે આ અવાજની દિશામાં જાય છે. પછી નર કૂદકો મારીને માદાની પીઠ પર ચઢી જાય છે અને પોતાના બે આગલા ઉપાંગો વડે માદાનું પેટ દબાવે છે. આ વખતે માદા નરને પોતાની પીઠ પર લઈને પાણીમાં તરે છે. ઘણી વખત આ સવારી 3થી4 દિવસ સુધી ચાલુ રહે છે.ત્યાર પછી માદા ઢગલાબંધ ઈંડા મૂકે છે અને નર તે ઈંડા પર પોતાના શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. આ પછે નર અને માદા બંને ચાલ્યા જાય છે.તે જોવા રોકાતા નથી કે ઈંડામાંથી બચ્ચા બન્યા કે નહીં…
હવે દેડકાના આ ફલિત થયેલા ઈંડામાંથી સૌ પ્રથન નાના ઈયળ જેવા નવજાત ટેડપોલ બને છે અને તે પાણીમાં ઉગેલી વનસ્પતિનાં પા6દડાને ચોંટી જાય છે. આ અવ્સ્થાને દેડકાની નવજાત ટેડપોલ અવસ્થા Newly born tadpole કહેવાય છે.ઠોડા દિવસો બાદ આ નવજાત ટેડપોલ થોડા લાંબા થાય છે અને નાનકડી માછલી જેવા લાગે છે તેને નાની પૂંછડી હોય છે અને માથા જેવા ભાગ પર ત્રણ જોડ પીંછા જેવી બાહ્યઝાલરો હોય છે. આ અવસ્થાને દેડકાની બાહ્યઝાલર અવસ્થાExternal gill stage કહેવાય છે.આ પછી બાહ્યઝાલરો ખરી પડે છે અને 4 જોડ અંત:ઝાલરો વિકસે છે. આ વખતે ટેડપોલની લંબાઈ વધે છે. આ અવસ્થાને દેડકાની અતઝાલર અવસ્થા Internal gill stage કહેવાય છે. ત્યાર બાદ તેના ધડના પાછળના ભાગમાંથી બે લાંબા પશ્ચઉપાંગો ફૂટે છે જેને દેડકાની પશ્ચપાદ અવસ્થા Hind limb stage કહેવાય છે. ત્યારબાદ બે આગલા તૂંકા અગ્ઉપાંગો ફૂટે છે. જેને દેડકાની ચતુષ્પાદ અવસ્થા કહેવાય છે. જેમાં ચાર ઉપાંગો અને પૂંછડી હોય છે. અત્યાર સુધીની બધી જ અવસ્થાઓ માત્ર પાણીમાં જ જોવા Tetrapoda stage મળે છે. હવે દેડકો ઉપવાસી બને છે.કાંઈ જ ખાતો નથી. ધીમેધીમે તેની પૂંછડી નાની થતી જાય છે અને છેવટે તે નાશ પામે છે. આ અવસ્થાને દેડકાની પૂચ્છવિલોપન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાણી ઉપરાંત જમીન પર પણ જોવા મળે છે. અને છેવટે પૂર્ણ દેડકો Adult frog બને છે.

શિક્ષિકાના આંસુ

એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા.
આ પછી શિક્ષિકાએ કે વિદ્યાર્થીઓએ ક્યારેય તેની ચર્ચા કરી નહીં, વાલીઓએ પણ આ માટે કાંઈ ચર્ચા ન કરી.માત્ર વિદ્યાર્થીઓ પોતાની જાતથી, અન્ય વિદ્યાર્થીઓથી અને આખો સમુહ એકમેકથી ખૂબ રાજી હતા.કેટલાય વર્ષો પછી આ સમુહમાંનો મલય નામનો એક વિદ્યાર્થી યુધ્ધમાં મૃત્યુ પામ્યો.આ શિક્ષિકા તેના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાર્થીના ઘેર ગઈ.તેણે જોયું કે આ વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર માટે વર્ષો પહેલાંના તે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.તેને અગ્નિસંસ્કાર માટે લઈ જાય તે પહેલાં મલયના એક મિત્ર સૈનિકે તે શિક્ષિકાને કહ્યું.”તમે જ મલયના ગણિતના શિક્ષિકા હતાને? મલય તમારી વારંવાર ખૂબ વાતો કરતો હતો.” મલયને અગ્નિસંસ્કાર આપ્યા પછી પાછા ફરેલા મલયના માતા-પિતાએ તે શિક્ષિકાની પાસે જઈ કહ્યું,”બહેન, એક મિનિટ જરા આ જુઓ તો…”.તેમણે નકશીકામ કરેલી એક લાકડાની નાની ડબ્બી ખોલી અને તેમાંથી એક કાગળ કાઢ્યો.જેમાં પેલો વર્ષો પહેલાનો કાગ હતો. તેના માટે તેના મિત્રોએ લખેલી વિગતો…શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા.મલયના તમામ મિત્રો બોલી ઉઠ્યા,” અમે પણ અમારા માટે લખાયેલ કાગળો સાચવી રાખ્યા છે.બહેન અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.તમને અત્યંત આદરભાવથી પૂજીએ છીએ.અમારા આખાય અભ્યાસકાળ દરિમયાન એક માત્ર તમે જ અમને ભાન કરાવ્યું કે અમારામાં ઢગલાબ્ંધ સારા ગુણો છે.ત્યાર પછી અમે અમારામાં રહેલા અવગુણો જોવાનું શરૂ કર્યું અને તેને શક્ય તેટલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.અમે તમારા ખૂબ આભારી છીએ.
શિક્ષિકાની આંખોમાંથી  નીકળી પડ્યા.વર્ગમાં કરેલા એક નાનકડા પ્રયોગની કેટલી ગાઢ અસર થઈ હતી!!!!!!!!!!!! દરેકમાં ઘણા બધા સારા ગુણો હોય છે જ. આપણે કોઈનાય ખરાબ ગુણો જોવાને બદલે માત્ર તેનામાં રહેલા સારા ગુણો જોવાનું શરૂ કરીએ તો બધાને માટે જીવન સુખમય બની જાય.ચોમેર આન્ંદ,પ્રેમ,એકમેકના માટે સાચી લાગણી છવાયેલી જોવા મળે…

નાનકડા ભૂલકાંઓની માતાપિતાને પ્રાર્થના…

૧)મારા હાથ ઘણા નાના છે.હું મારી પથારી પાથરું,ચિત્ર દોરું કે દડો ફેંકું તેમા મારી પાસેથી બહુ ઊંચી અપેક્ષાઓ ના રાખો. મારા પગ નાના છે મહેરબાની કરીને થોડા ધીમે ચાલો જેથી હું તમારી સાથે ચાલી શકું.

૨)તમે જેવી અને જેટલી દુનિયા જોઈ છે તે મારી આંખોએ નથી જોઈ તેથી મને સલામતી સાથે તે જોવા દો.મને બીનજરૂરી રોકો નહીં…હા હું કાંઈ ન જોવાનું જોતો હોઉં તો અચૂક મને સમજાવો.
૩)ઘરનું કામ તો હંમેશા હશે જ.હું બહુ ઓછા સમય માટે નાનો રહેવાનો છું.મને ખૂબ પ્રેમથી આ અદભૂત દુનિયાની માહિતી આપો.
૪)મારી લાગણીઓ ખૂબ નાજુક છે.મારી જરૂરિયાતો માટે લાગણીશીલ રહો.હંમેશાં મને “ના” ન ક્હો.હું તમારી સાથે અમુક રીતે વર્તું એવું જો તમે ચાહતા હો તો તમે પણ મારી સાથે તે રીતે જ વર્તો.હા, હું ખોટી માગણી કરૂં તો રોકો જરૂર.
૫)તમને ભગવાને આપેલી ખાસ ભેટ તે હું છું.ઈશ્વરે તમને આ અમૂલ્ય ખજાનો આપ્યો છે તેનું જાળવીને જતન કરો.મારા સારા કામોને બિરદાવો,મને સાચી દિશામાં જીવવા માટે માર્ગદર્શન આપો.અને પ્રેમથી શિસ્તના પાઠ ભણાવો.હું જરૂર ભણીશ કેમકે તમને હું ખૂબ ચાહું છું.
૬)મારે વિકાસ માટે તમારા પ્રોત્સાહનની જરૂર છે.ભૂલો કાઢવામાં કાળજી રાખો.યાદ રાખો કે તમે હું જે કરું તેમાં ભૂલો કાઢો પણ મારામાં ભૂલો ના શોધો.
૭)મારા માટે નિર્ણયો લેવાની મને સ્વતંત્રતા આપો.મને નિષ્ફળ થવા દો જેથી હું મારી ભૂલોમાંથી બોધપાઠ લઈ સાચું શીખું.તો જ કોઈક દિવસ જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે સાચા નિર્ણયો લેવા હું તૈયાર બનીશ.
૮)મારી પાસેથી અતિશય અપેક્ષાઓ ન રાખો.મને એવું ન લાગવા દો કે હું તમારી અપેક્ષાઓને પૂરી નથી કરી શકતો.મારા વહાલા ભાઈઓ અને બહેનો સાથે મારી સરખામણી ના કરો.આમ કરવાથી તમે અમારું હિત નહીં પણ અહિત કરો છો.
૯)તમે બંને સાથે કોઈક શનિ-રવિવારે ફરવા જાઓ અને અમને ભાઈબહેનોને સાથે બહાર ફરવા જવા દો.તેમાં ડરો નહીં.માતાપિતાને બાળકોથી અને બાળકોને મતાપિતાથી વેકેશન જોઈએ છે.સાથે સાથે અમને બાળકોને એવુ લાગવા દો કે અમારા માતાપિતાના લગ્ન એ વિશષ્ટ છે.
૧૦)મને દર રવિવારે નિયમિત રીતે મંદિરે લઈ જાઓ અને ક્યારેક સત્સંગમાં લઈ જાઓ અને મારા માટે સારું ઉદાહરણ પૂરૂં પાડો જેથી જીવનમાં હું તેને અમલમાં મૂકી શકું.મને ઈશ્વરમાં શ્રદ્દ્ધા છે અને ભગવાન વિષે હુ જાણવા માગું છું