Total Pageviews

Wednesday, November 2, 2011

ખોરડાંની ખાનદાનિ


 

સમયાંતર - લલિત ખંભાયતા
અડવાણીએ પોતાની યાત્રા જયપ્રકાશ નારાયણના ગામ સિતાબ દિયારાથી શરૂ કરેલી જ્યાં જયપ્રકાશના ઘરની હાલત બહુ દયનીય છે. મૈસૂરમાં થોડા સમય પહેલાં ખ્યાતનામ લેખક આર. કે. નારાયણનનું ઘર તોડી પાડવાનું હતું જે હવે બચી ગયું છે. દિવાળીએ આપણે આપણાં બધાનાં ઘરો સાફ કર્યાં પણ મહાનુભાવોનાં ઘરોની કેવીક હાલત છે?પરદેશમાં મહાનુભાવોનાં મકાનો જીવની જેમ સચવાય છેપણ ભારતને વારસો સાચવવાની જોઈએ એવી આદત નથી
 
વિલિયમ શેક્સપિયર
ઘર સારામાં સારી રીતે કેમ સાચવી શકાય તેનો ઉત્તમ નમૂનો શેક્સપિયરનું ઘર છે. ઈંગ્લેન્ડના ર્વિવકશાયર વિસ્તારમાં સ્ટેટફોર્ડ ઓવન અપોન ખાતે તેમનું ઘર ચાર સદી કરતાં વધારે સમયથી ઊભું છે. અંગ્રેજી સાહિત્યના શિરમોર સર્જક વિલિયમ શેક્સપિયર ૧૫૬૪માં અહીં જન્મેલા અને બાળપણનાં કેટલાંક વર્ષો અહીં વિતાવ્યાં હતાં. સાહિત્યરસિકો માટે મક્કા તરીકે ઓળખાતું આ સ્થળ હવે શેક્સપિયર બર્થપ્લેસ ટ્રસ્ટની દેખરેખ હેઠળ છે. ત્યાં શેક્સપિયરનાં રમકડાં સહિતની ચીજો સચવાયેલી છે. ૧૬થી ૧૮મી સદી સુધીની વિવિધ ૧૧ હજાર કરતાં વધારે ચીજો અહીં શેક્સપિયરના સમગ્ર જીવનને સદીઓથી જીવતું રાખે છે.
રાણી લક્ષ્મીબાઈ
ખૂબ લડી મર્દાની લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીના આસી મોહાલ વિસ્તારમાં થયેલો. ૧૮૩૫માં અહીં લક્ષ્મીબાઈ જન્મેલાં પણ ૨૦૧૦ સુધી એ સ્થળની હાલત ખસ્તા હતી. ૨૦૧૦માં આ જગ્યાને સ્મારક તરીકે વિકસાવવાનું નક્કી થયું અને હાલ ત્યાં લક્ષ્મીબાઈને શોભે એવું સ્મારક બની રહ્યું છે. અહીં લક્ષ્મીબાઈના પૂતળા સાથે સુભદ્રાકુમારી ચૌહાણે લખેલી કવિતા ખૂબ લડી મર્દાની વો તો... પણ કોતરવામાં આવશે. અહીં પહેલાં તો કોઈ બીજાં કુટુંબો રહેતાં હતાં. હવે તેમને હટાવી દેવાયાં છે અને સંપૂર્ણ સ્થળ પ્રવાસન વિભાગે પોતાના હસ્તક લઈ તેને વિકસાવી રહ્યા છે.
મોરારજી દેસાઈ
ગુજરાતે દેશને આપેલા એકમાત્ર વડા પ્રધાન મોરારજી દેસાઈના ઘરની હાલત ખાસ ગૌરવ લઈ શકાય એવી નથી. વલસાડ પાસેના ભદેલીમાં મોરારજી દેસાઈનો જન્મ થયેલો. મકાન તો આજે અડીખમ ઊભું છે, પણ તેમાં કોઈ ભાડવાત રહે છે. ઓરંગા નદીના બન્ને કાંઠે ફેલાયેલા ગામમાં વડીલોને ખબર છે કે અહીં મોરારજી કાકા જન્મેલા. બે-ચાર આગેવાનોને બાદ કરતાં લોકોને બહુ ખબર નથી અને રસ પણ નથી. મોરારજી દેસાઈનું વતન તો વલસાડ પણ જન્મ ભદેલીમાં થયેલો. ભદેલી એમનું મોસાળ. અહીં જ તેમનો ઉછેર અને શિક્ષણકાર્ય થયેલું.
જ્યાં તેમનો જન્મ થયેલો એ કોલોનિયલ બાંધકામ જેવું મકાન અડીખમ ઊભું છે. મકાનના થોડા ભાગમાં એક બેંક કાર્યરત છે. દર વર્ષે અહીં મોરારજી દેસાઈનો જન્મદિવસ ઊજવાય છે, એ સિવાય કોઈ સ્મારક મળવું મુશ્કેલ છે. માલિકો બદલાઈ ચૂક્યા હોવાને કારણે મોરારજીભાઈનું જન્મસ્થાન પણ સરળતાથી જોઈ શકાય એમ નથી.
એડોલ્ફ હટલર
સરમુખત્યાર હોવા છતાં ઓસ્ટ્રીયામાં ૧૮૮૯માં હિટલર જન્મ્યો હતો એ સ્થળ સ્લેજબર્જર નામનું બિલ્ડિંગ સાચવી રખાયું છે. ઓસ્ટ્રીયાના બોન શહેરમાં આવેલા આ સ્થળે હિટલરનાં માતા-પિતા ભાડે રહેતાં હતાં. આજે ત્યાં સ્થાનિક ભાષામાં હિટલરનો જન્મ થયો હોવાની વિગતો આપતો શિલાલેખ મોજૂદ છે. શિલાલેખ વળી હિટલરના જન્મની શતાબ્દી વખતે શહેરના મેયરે ફીટ કરાવેલો. ગમે તેવો હોય પણ હિટલરને જગત ભૂલી શકે એમ નથી, માટે તેનું જન્મસ્થાન યથાતથ રખાયું છે. હિટલરે જર્મન પાટનગર બર્લીનમાં રહી વર્ષો લગી શાસન કર્યું. ત્યાં એ જ્યાં રહી વહીવટ કરતો એ મકાન ચાન્સેલરી તરીકે ઓળખાતું હતુુ. વિશ્વયુદ્ધ ખતમ થયા પછી ચાન્સેલરી તો તોડી પડાઈ પણ જ્યાં હતી એ જગ્યા મકાનના સંપૂર્ણ નકશા સાથે જર્મન ભાષામાં બોર્ડ ફીટ કરાયેલું છે.
નેપોલિયન બોનાપાર્ટ
ફ્રાંસની દક્ષિણે ભૂમધ્ય સાગરમાં આવેલા ટાપુ ર્કોિસકા ખાતે ૧૭૬૯ મહાન સેનાપતિ નેપોલિયનનો જન્મ થયેલો. નેપોલિયન અહીં જોકે બહુ વર્ષો રહેલા નથી, કેમ કે એમનું મોટાભાગનું જીવન તો યુદ્ધ મોરચે જ પસાર થયેલું છે. પણ બોનાપાર્ટ ફેમિલીએ અહીં ઘણો સમય ગુજારેલો. આજે એ બહુમાળી મકાન મ્યુઝિયમમાં ફેરવાયેલું છે. નેપોલિયનના અંતિમ દિવસો આફ્રિકાના કાંઠાથી દૂર સેન્ટ હેલેના ટાપુ ખાતે પસાર થયેલા. તેમણે જિંદગીના અંતિમ એકલવાયા દિવસો અહીં પસાર કરેલા અને તેમનું વિવાદાસ્પદ મોત પણ અહીં જ થયેલું. અહીંનું એ લોંગવૂડ હાઉસ નામે ઓળખાતું ઘર આજે પ્રવાસન સ્થાન છે.
નેલ્સન મંડેલા
મંડેલાનું ઘર આફ્રિકાના જોહાનિસબર્ગથી પોણા નવસો કિલોમીટર દૂર ક્વુનુ ગામમાં આવેલું છે. આજે જોકે તેમનું ઘર ‘નેલ્સન મંડેલા નેશન મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. મતલબ કે સરકાર તેમના જન્મસ્થળને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવી રાખે છે. ૧૯૯૦માં જેલમુક્ત થયેલા નેલ્સન મંડેલાની મુક્તિના દાયકાની ઉજવણી વખતે ૨૦૦૦ની સાલમાં આ સંગ્રહાલય ખુલ્લું મુકાયું છે. ૩ ભાગમાં વહેંચાયેલું આ મ્યુઝિયમ મુલાકાતીઓને મંડેલાની સમગ્ર જીવનસફર કરાવે છે. મંડેલાના ઘરની દીવાલ પર એક ગુજરાતી વિભૂતિનો ફોટો ટાંગેલો છે, જેમની પાસેથી મંડેલાને પ્રેરણા મળેલી. એ વિભૂતિ એટલે મોહનદાસ ગાંધી!
સર આઈઝેક ન્યૂટન
બ્રિટનના લિંકનશાયર પરગણાના વૂલ્સથોર્પ મેનોર ખાતે આઈઝેક ન્યૂટન ૧૬૪૨માં જન્મેલા. બહુધા ગુરુત્વાકર્ષણના નિયમના શોધક તરીકે જાણીતા ન્યૂટનનું નિવાસસ્થાન તેમના વ્યક્તિત્વને છાજે એ રીતે જળવાયેલું છે. ન્યૂટનને ગુરુત્વાકર્ષણના નિયમની પ્રેરણા જે વૃક્ષ નીચેથી મળી હતી એ વૃક્ષ તો નહીં પણ તેનું વંશજ વૃક્ષ અહીં ઊભું છે. હવે એ જગ્યા સાયન્સ સેન્ટર તરીકે મુલાકાતીઓને વિજ્ઞાનયાત્રા કરાવતી રહે છે. ન્યૂટને અહીં જ રહીને આજે જગતને ઉપયોગી થાય છે એવી ઘણી શોધો આપેલી.
આર.કે. નારાયણ
નારાયણે જ્યાં બેસીને માલગુડી ડેઝ સિરિઝ તથા ગાઇડ સહિતની કૃતિઓની રચના કરી એ ઘર હમણાં તૂટતાં તૂટતાં રહી ગયું છે. ચેન્નાઈમાં રહેતા નારાયણનાં પૌત્ર અને પૌત્રીએ જ આ બાંધકામ તોડી પાડી ત્યાં ભવ્ય કોમ્પ્લેક્સ બાંધવાનું આયોજન કરેલું. ઘર ભાંગવાનું ચાલુ થયું ત્યારે જ કોઈએ મૈસૂર કોર્પોરેશનનું ધ્યાન દોર્યું કે અહીં બાંધકામને નામે દાટ વળી રહ્યો છે. સત્તાધીશો તુરંત ત્યાં પહોંચ્યા અને મકાન તોડતા અટકાવ્યું. ૧૯૯૦ના દાયકામાં ચેન્નાઈ ટ્રાન્સફર થયા એ પહેલાં નારાયણ કેટલાક દાયકા અહીં રહેલા.યાદવાગીરી વિસ્તારના વિવેકાનંદ રોડ પર આવેલું આ મકાન નારાયણને ૧૯૪૮થી ૧૯૫૧ વચ્ચે બનાવડાવેલું. નારાયણના ભાઈ અને જાણીતા કાર્ટૂનિસ્ટ લક્ષ્મણ પણ અહીં કેટલાંક વર્ષ રહ્યા હતા.
જયપ્રકાશ નારાયણ
અડવાણીએ જ્યાંથી પોતાની રથયાત્રા આરંભી એ ગામ સિતાબ દીયારામાં લાઈટ હમણાં આવી તો પછી જયપ્રકાશનું ઘર સારી રીતે સચવાયેલું હોય એવી અપેક્ષા તો કેમ રાખી શકાય?દીવાલોમાં ઈંટો અને ભોંય પર ગાર-માટી બિછાવેલા ઘરના પ્રવેશદ્વાર પર એક સીએફએલ લેમ્પ છે, જે સમગ્ર સ્થિતિ પર પ્રકાશ પાડે છે. દીવાલ પર કેટલાક ઐતિહાસિક ફોટા ટાંગેલા છે. જેમાં જયપ્રકાશ ઉપરાંત જયપ્રકાશનાં પત્ની પ્રભાબાતી દેવી ગાંધીજીને જમાડી રહ્યાં હોય એવી તસવીર પણ છે. ઘરમાં ટેબલ, ખુરશી, ખાદીનું જેકેટ વગેરે ચીજો રાખી મુકાઈ છે. એ જ બિહારમાં લાલુ પ્રસાદ યાદવનું ગામ ફુલવારિયા અને નીતીશકુમારનું વતન કલ્યાણ બીઘા અપ ટુ ડેટ રીતે વિકસેલા છે.
કાર્લ માર્ક્સ
૧૮૧૮માં કાલ માર્ક્સ જર્મન શહેર ટ્રેવમાં જ્યાં જન્મેલા એ ઘર પણ આજે મ્યુઝિયમ છે. ૧૯૨૮ સુધી આ મકાન કોઈના ધ્યાનમાં આવ્યું નહીં. નાઝી પક્ષે અહીં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપેલો! છેક ૧૯૪૭માં એ મકાનનું મહત્ત્વ સમજી તેને સંગ્રહાલય જાહેર કરાયું અને ત્યાં કાર્લ માર્ક્સની યાદો જીવંત કરતી ચીજો ગોઠવી દેવાઈ. ૧૯૮૩માં કાર્લની ૧૦૦મી પુણ્યતિથિએ મકાનને રિનોવેટ કરી ફરી ઓપન કરાયું. આજે એ મકાનમાં માર્ક્સવાદના ઇતિહાસ સહિતની ચીજો જોવા વર્ષે ૩૦-૩૫ હજાર મુલાકાતીઓ આવે છે અને તેમાંથી ત્રીજા ભાગના પ્રવાસીઓ તો ચીનના હોય છે.
રવીન્દ્રનાથ ટાગોર
આખો દેશ અને સાહિત્ય સર્કલ જેમનું દોઢસોમું જન્મ વર્ષ ઊજવી રહ્યા છે એ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ તેમના દાદાએ બનાવેલા ‘જોરાસાંકો ઠાકુરબારી’ નામના મકાનમાં થયેલો. ૧૮મી સદીમાં દ્વારકાનાથ ટાગોરે બંધાવેલા એ હવેલી જેવા મકાનમાં રવીન્દ્રનાથે જન્મથી મૃત્યુ સુધીનો ઘણો સમય પસાર કરેલો. ઘણા ખરા બંગાળી સાહિત્યકારો-કલાકારો અહીં આવતા રહેતા એટલે બંગાળી સાહિત્ય માટે પણ એ મકાન ઐતિહાસિક ઈમારત છે. ૧૭૫૭ પછી જયરામ ટાગોરે હુગલી નદીના કાંઠે આ રજવાડી મકાન બંધાવેલું. આજે એ મકાન ‘સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિક ફાઈન આર્ટ’ તરીકે ઓળખાય છે. તેમાં આવેલું રવીન્દ્ર ભારતી મ્યુઝિયમ રવીન્દ્રનાથની બધી જ ચીજો સાચવીને બેઠું છે. પ્રવાસીઓનો પ્રવાહ અહીં સતત વહેતો રહે છે. આર્િકટેક્ટની દૃષ્ટિએ પણ આ સંકુલ જોવા જેવું ગણાય છે.
ઝવેરચંદ મેઘાણી
ચોટીલાના પોલીસ લાઈન વિસ્તારમાં આવેલું નાનકડું મકાન જોઈને લાગે નહીં કે અહીં બહુ મોટા માણસનો જન્મ થયો હશે! વીસેક ફીટ લાંબો અને ચૌદેક ફીટ પહોળો ઓરડો, બાજુમાં દસેક ફીટનું રસોડું,ઝૂકીને અંદર જવું પડે એવા જુનવાણી બેઠા ઘાટના દરવાજા, માથે નળિયાં,રસોડમાં દેશી પાણિયારું, ખૂણામાં ચોકડી, દીવાલમાં ગોખલા અને લાકડાની ખીંટીઓ... સદ્ભાગ્યે મકાનની હાલત સારી કહી શકાય એવી છે. સરકારે આ ખાનદાની ખોરડું સારી રીતે જળવાઈ રહે એ માટે પૂરતા પ્રયાસો કર્યા છે. દીવાલો પર ઝવેરચંદ સંબંધિત ફોટોગ્રાફ્સ અને માહિતીનાં પોસ્ટરો લગાડેલાં છે, જે મુલાકાતીઓની જ્ઞાનવૃદ્ધિ કરે છે. 
જમશેદજી તાતા
દેશ-પરદેશમાં ફેલાયેલા તાતા સામ્રાજ્યના દીર્ઘદ્રષ્ટા સ્થાપક જમશેદજી તાતા ૧૮૩૯માં ગુજરાતના નાનકડા શહેર નવસારીમાં જન્મેલા. એ મકાન આજે સ્થાનિક પારસીઓ સાચવે છે. મકાનની ખસ્તા હાલત જોઈને કોઈને લાગે નહીં કે અડધી દુનિયામાં પથરાયેલા તાતા સામ્રાજ્યના સર્વેસર્વા અહીં જનમ્યા હશે! એજ નવસારીમાં અખીલ હિન્દના દાદા, દાદાભાઈ નવરોજી પણ જન્મેલા. એમના મકાનની હાલત બદતર કહી શકાય એવી છે. મકાનમાં નીચે તો તાળુ મારેલું છે, પણ ઓસરીમાં રહેલી સીડી વડે ઉપરના માળે સરળતાથી પહોંચી શકાય એમ છે.
મહાત્મા ગાંધી
પોરબંદરસ્થિત ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિમંદિર તેની આગવી કીર્તિ ધરાવે છે. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે ગાંધીજી અહીં જન્મેલા. ગાંધીજીના વડવા હરજીવન રાયદાસ ગાંધીએ બસ્સોએક વરસ પહેલાં એ મકાન એક મહિલા પાસેથી ખરીદેલું. બાદમાં તેમાં માળ ઉમેરાતા મકાન હવેલી જેવું લાગતું. વર્ષો પછી ૧૯૪૭માં ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાએ આ મકાનને સ્મારક તરીકે વિકસાવવા શક્ય એટલી મદદ કરી.
કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલે ૧૯૫૦માં કરેલું. ગાંધીજી ૭૯ વર્ષ જીવેલા માટે કીર્તિ મંદિરની ઊંચાઈ ૭૯ ફીટ રાખવામાં આવી છે. જોકે જ્યાં ગાંધીજીનો જન્મ થયેલો એ ખોરડું તો કીર્તિ મંદિરની પાછળના ભાગમાં છે